મને મારી ભાષા ગમે છે,
કારણ કે મને મારી બા ગમે છે."
-વિપિન પરીખ
"ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શૂર".. અખો ભગત.
એટલે ભાષા કેટલી મહત્વની છે એ આદિકાળમાં સાઈન લેંગ્વેજ એટલે કે ઈશારાની ભાષા હતી જે ભીમબેટકાની ગુફાઓમાં ચિત્ર સ્વરુપે તો હડપ્પન સંસ્કૃતિમાં લિપિ રુપે આલેખાઈ.
ત્યારે વિશ્વનો એકમાત્ર દેશ કે જેનું સર્જન ભાષાના આંદોલન રુપે થયું છે એ છે આપણો પડોશી દેશ બાંગ્લાદેશ...!
ઈ.સ. ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલાં પછી પાકિસ્તાન બે ભાગમાં વહેંચાયેલ હતું.
એક પૂર્વ પાકિસ્તાન અને બીજું પશ્ચિમ પાકિસ્તાન.
આપણે માતૃભાષા દિવસની જ વાત કરી રહ્યા છીએ એટલે ડોન્ટ વરી.
આપણને પાકિસ્તાનના ઈતિહાસમાં જરાય રસ નથી..
ઈ.સ.૧૯૪૮માં પશ્ચિમ પાકિસ્તાન ઉર્દૂને રાષ્ટ્રભાષા તરીકે સમગ્ર પાકિસ્તાન પર ઠોકી બેસાડે છે.
જેની સામે પૂર્વ પાકિસ્તાન કે પૂર્વ બંગાળ અને પશ્ચિમ પાકિસ્તાનના લોકો બંગાળી ભાષા માટે આંદોલને ચડે છે.
આ આંદોલન સ્વરૂપે ૨૧ ફેબ્રુઆરી, ૧૯૫૨માં ઢાકામાં 'બંગાળી ભાષા મૂવમેન્ટ' અંતર્ગત હજારો લોકો ભેગા થાય છે ત્યારે પાકિસ્તાની પોલીસ અને સેના દ્વારા કરવામાં આવેલ અમાનુષી અત્યાચારને અંતે અનેક લોકો જીવ ગુમાવે છે અને ઘાયલ થાય છે.
આથી તેની યાદમાં કેનેડામાં રહેતા બે બાંગ્લાદેશીઓની ભલામણથી ૧૭ નવેમ્બર, ૧૯૯૯ યુનેસ્કો દ્વારા અને બાંગ્લાદેશની ભલામણના કારણે ઈ.સ.૨૦૦૨માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ૨૧ ફેબ્રુઆરી, ૧૯૫૨ની યાદમાં વિશ્વની સ્થાનિક ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનો ઠરાવ પસાર થાય છે.
આથી ૨૧ ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે..
ભાષા કેટલી મહત્ત્વની છે એ વાત ભારતમાં ભાષા આધારિત રાજ્યોના આંદોલનો પરથી ખબર પડે છે.
જે અંતર્ગત ફજલ અલી કમિશનની ભલામણથી ૧૯૫૬માં તેલુગુ ભાષી આંધ્રપ્રદેશ, ૧૯૬૦માં ગુજરાતી અને મરાઠી ભાષા આધારિત ગુજરાત અને મહારાષ્ટ્ર વગેરે તેના ઉદાહરણ છે..
વિશ્ચના લોકો પણ ભાષા પ્રત્યે કેટલાં સંવેદનશીલ હોય છે તે રશિયા, ચીન, જાપાન, જર્મની, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા વગેરે જેવાં દેશોની પ્રગતિ પરથી કહી શકાય..
આપણી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંમાં પણ ચાઈનીઝ, જર્મન અને અંગ્રેજી શિખવવામાં આવે છે. જે બતાવે છે કે તે ભાષાઓએ પોતાના દેશ અને દુનિયામાં ક્રાંતિકારી ડંકો વગાડ્યો છે.
આપણે ત્યાં ઈંગ્લિશ એ ભાષા તરીકે નહીં પરંતુ એક સ્કીલ તરીકે જોવામાં આવે છે..
જ્યારે ઠેંસ લાગે છે ને ત્યારે "ઓહ માઁ" શબ્દ જ મોઢામાંથી નિકળે છે.
પછી ભલેને તમે ઓકે, થેન્ક યુ, બાય, ગુડમોર્નિંગ વગેરે બોલતાં હોય.
એટલે કે માઁ તે માઁ છે અને માસી તે માસી છે..
ઘણાં ની પત્ની
આળસું હોય ત્યારે
એક વાક્ય છે કે,
"મારી પત્ની આરસની મૂર્તિ છે."
અહીં 'ળ' નો ભૂલથી 'ર' કરેલ છે.
ગાંધીયુગના જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ઉમાશંકર જોશી દ્વારા
" સદા સૌમ્ય શી વૈભવે ઉભરતી,
મળી માતૃભાષા મને ગુજરાતી."
ઉપર્યુક્ત પંક્તિઓ માતૃભાષા ગુજરાતીને ઉંચાઈ બક્ષે છે..
માતૃભાષા એટલે :- માતૃભૂમિ કે જન્મભૂમિમાં બોલાતી પોતીકી સ્વભાષા..
બચપણમાં જ બાળક માતાપિતાના બોલવા ઉપરથી શીખે છે તે ભાષા. ગાંધીજી લખે છે છે કેઃ મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય, તો યે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારૂં દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ? એ સ્થાને અંગ્રેજી બોલીનો હું આશક છું, પણ જે સ્થાન તેનું નથી તે પડાવી લેવાને તે નીકળે, તો હું તેનો કટ્ટો વિરોધી થાઉં. સૌ કોઇ સ્વીકારે છે કે, અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે, તેથી હું તેને નિશાળના નહિ, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું અને તે પણ પસંદગીના થોડા લોકો માટે હોય, કરોડોને તો ક્યાંથી હોય ? આજે આપણી પાસે ફરજિયાત પ્રાથમિક કેળવણી દાખલ કરવાનાં પણ સાધન નથી, તો અંગ્રેજી શિક્ષણ માટેની જોગવાઈનાં સાધનો ક્યાંથી લાવવાં ? રશિયાએ વિજ્ઞાનમાં પોતાની બધી પ્રગતિ અંગ્રેજી વગર જ કરી છે. આપણી મનોવૃત્તિ એવી ગુલામ બની ગઈ છે કે, અંગ્રેજી વગર આપણું ચાલે જ નહિ એવું આપણને લાગ્યા જ કરે છે. કામ શરૂ કર્યા પહેલાં આગળથી હારી બેસવાની આવી માન્યતાને હું કદી નહિ સ્વીકારૂં.
મૂળ ભાષા; પોતાના દેશમાં બોલાતી ભાષા; બીજી ભાષાને જન્મ આપનાર ભાષા; સ્વભાષા; માદરી જબાં; ` મધર ટંગ `. ગાંધીજી લખે છે કેઃ મેં સાંભળ્યું છે કે, માબાપ આપણા શિક્ષણક્રમથી કાયર છે. છોકરાંને માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય છે, ને તેમને સાલે છે ! આ સાંભળી હું હસ્યો. દુઃખ તો પાછળથી થયું. મને થયું કે, આ કેટલી બધી અધોગતિ ! માબાપોને ભય છે કે, છોકરાં અંગ્રેજી સારું ન બોલી શકે. ખરાબ ગુજરાતી બોલશે તે તેમને નથી સાલતું, ગુજરાતી ભણશે તો કેળવણી કાંઈક ઘરમાં પણ લાવશે એનો એમને વિચાર શેનો હોય ? મને પોતાને ભૂમિતિ બીજગણિત, ગણિતની પરિભાષા નથી આવડતી. સર્કલ શબ્દનું ગુજરાતી પૂછે તો મારે વિચાર કરવો પડે. ત્રિકોણનાં જુદાં જુદાં અંગ્રેજી નામ હું જાણું, પણ ગુજરાતી નામો એકે ન આવડે. આ તે કેવી સ્થિતિ ! આવી કંગાળ સ્થિતિ છે ત્યાં મને કહેવામાં આવે કે, અંગ્રેજી મારફત શિખવાડો તો હું ના પાડું. એટલું કબૂલ કરી લઉં ખરો કે, માતૃભાષા દ્વારા શિક્ષણ એ કાંઈ અસહકારનું અંગ નથી.
ગાંધીજી માતૃભાષાના સૌથી મોટા હિમાયતી હતાં.
ગુજરાતી ભાષાનો ઉદ્ભવ..
ગુજરાતી ભાષાએ આર્યકુળની કે ઇન્ડો - આર્યન સમૂહની ભાષા છે.
ગુજરાતીના ઉદભવનો ક્રમ સંસ્કૃતમાંથી પ્રાકૃત - શૌરસેની કુળની ભાષાનો એક ફાંટો જે મથુરાથી દ્વારકા વચ્ચે બોલાતો - અપભ્રંશ (ગુર્જર ભાષા) - જુની ગુજરાતી સુધી લિપિ દેવનાગરી જ જોવા મળે છે.
ગુજરાતી ભાષાના બીજ ૧૧મી સદીમાં હેમચંદ્રાચાર્ય દ્વારા રોપાય છે.
જે ઈ.સ. ૧૧૮૫માં શાલિભદ્રસૂરી દ્વારા લખાયેલ 'ભરતેશ્ચર બાહુબલિ રાસ' દ્વારા મંડાણ થાય છે.
જે અંતર્ગત ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે બે ભાગમાં વહેંચાય છે.
૧)મધ્યકાલીન સાહિત્ય (૧૧૮૫-૧૮૫૦)
૨)અર્વાચીન સાહિત્ય (૧૮૫૦-આજ સુધી)
મધ્યકાલીન સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય.
A)જૈન સાહિત્ય(૧૧૮૫-૧૪૧૪)
B)જૈનેત્તર સાહિત્ય (૧૪૧૪-૧૮૫૦)
જૈનેત્તર સાહિત્યને વિવિધ યુગમાં વિભાજિત કરવામાં આવ્યો છે.
જેમ કે,
૧)નરસિંહ યુગ
૨)સુધારક યુગ
૩)સાક્ષર યુગ
૪)ગાંધી યુગ
૫)અનુગાંધી યુગ
૬)આધુનિક યુગ
૭)અનુઆધુનિક યુગ
ગુજરાતી ભાષાનો સાચો વિકાસ જૈનેત્તર યુગ એટલે કે નરસિંહ મહેતાથી દયારામના સમયમાં થાય છે.
આ દરમિયાન 'ગુજરાતી' શબ્દનો સૌપ્રથમ પ્રયોગ મહાકવિ પ્રેમાનંદે 'બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા' માં કર્યો છે તો ભાલણે 'ગુર્જર ભાષા' શબ્દ પ્રયોજેલો છે.
પ્રેમાનંદ દ્વારા "જ્યાં સુધી ગુજરાતી ભાષા અન્ય ભાષા સમોવડી ના બને ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" ની ભિષ્મ પ્રતિજ્ઞા દ્વારા ગુજરાતી ભાષાને ગૌરવ બક્ષે છે.
જીવનના અંત સમયે પુત્ર વલ્લભ ભટ્ટના કહેવાથી પોતે ક્ષણવાર માટે પાઘડી હતી.
કેટલી ત્યાગ ભાવના અને કેવો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ.!!
ભાષાની સુંદરતા એ ગુજરાતી ફિલ્મના સ્નેહલતાના ડાયલોગ દ્વારા સમજીએ.
હે સ્વામી તમે માંદા છો, જેથી યુધ્ધમાં જશો નહીં.
એક અનુસ્વાર દૂર કરો.. 😅
તો રવજી ગાબાણી લખે છે કે,
" લાડ લડાવ્યા જે ભાષાએ, જેણે કીધો મોટો,
રગમાં વ્હેતી ભાષા ભૂલું, માણસ તો હું ખોટો;
અક્ષર ભાળું ગુજરાતી ત્યાં, ઊર્મિઓ હરખાતી,
હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી."
આ ઉપક્રમે માતૃભાષાની વ્યથા રજૂ કરતી ચાર પંક્તિઓ આપ સમક્ષ રજૂ કરું છું કે, ...
"માતૃભાષા શબ્દ સાંભળીને, હું ખૂબ હરખાતી,
મહેફિલ - મુશાયરે ખૂબ વખણાતી.
અંગ્રેજી ભેગી ધીમે પિરસાતી,
મૃત થઈ રહેલ હું માતૃભાષા ગુજરાતી..
ક્યાંક આધુનિકતાના નામે,
ક્યાંક ઈંગ્લિશના ડામે.
ધીરે ડગલે લોપાતી,
હું માતૃભાષા ગુજરાતી."
|| અસ્તુ ||
સ્થળ :-
ગુજરાતી વિભાગ.
સ્કૂલ ઓફ લેંગ્વેજ, લિટરેચર એન્ડ કલ્ચરલ સ્ટડીઝ
સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી
ગાંધીનગર
ગુજરાત.
Comments