આજે વિક્રમસંવતની તિથિ મુજબ ધ્રાફા ચોવીસીનો સ્થાપના દિવસ છે, મારા મિત્ર શ્રી જગદીશસિંહ જાડેજાની ટૂંકી પણ માહિતી સભર પોસ્ટ પરથી જાણવા મળ્યું કે જામશ્રી ૭ રણમલજી તથા રાયસિંહજીના નાનાભાઈ જસોજીના પરાક્રમી પુત્ર મોડજીએ વિ. સ. ૧૭૫૨ના વર્ષે ફાગણ માસની સુદ ચતુર્થી અને શનિવારના રોજ પોતાના બાહુબળે સંપાદિત કરેલ રાજ્યના વડામથક ધ્રાફાની સ્થાપના કરેલ હતી. જસોજીના સૌ વારસદાર હોવાથી મૂળ ફટાયા શાખ તરીકે ધ્રાફાના ગીરાસદારો જસાણી જાડેજા તરીકે ઓળખાય છે.
વાઘેલાકુળ ગૌરવ ઠાકરાણા રાજબા અને રૂપાળીબા જેવા સતીઓ, કુંવર કાથડજી જેવા શુરવીર અને શ્રધ્ઘેશ્રી જાલમસંગ બાપુ જેવા સંતની ભૂમિના આજે મારા મુદ્રા સ્થિત મિત્ર હરદેવસિંહ ધ્રાફાએ ગામના જુના ઘણાં ફોટોગ્રાફ મારી સાથે શેર કર્યા એમાં ઘણાં આકર્ષક ફોટોગ્રાફમાનો આ ફોટોએ મારી ઈતિહાસ વિષયક જિજ્ઞાસા વધારી.
આ ફોટોગ્રાફ એ ધ્રાફાના ૯ તાલુકદારોની ૯ ડેલીમાની એક ડેલીની દીવાલપરનું ભીંતચિત્ર છે, સાદા ભીંત ચિત્રોને ઈંગ્લીશમાં 'Mural' કહેવાય છે, જ્યારે ભીનાં પ્લાસ્ટરમાં ખુબજ કલાત્મક રીતે ચીવટથી દોરેલ ભીંતચિત્રને ઈંગ્લીશમાં 'Fresco' કહેવાય છે, આ ભીતચિત્રોનું આયુષ્ય સેંકડો વર્ષો સુધીનું હતું. આ ચિત્ર એ mural પ્રકારનું વિશિષ્ટ ભીંત ચિત્ર છે, આ પાકાં પ્રાકૃતિક કલરથી દોરેલું કોઈ ઐતિહાસિક ઘટનાને બયાન છે.
ચિત્ર જોતા એવું લાગે છે કે ધ્રાફાના તાલુકદારોને કોઈ મોટા રાજ્ય કે સૂબા સાથે ધીંગાણું થયું હશે, હાલારી જામશાહી પાઘડીઓ ધારી 03 ગરાસીયાઓ અને અન્ય બે, કાઠિયાવાડી અશ્વોપર સવાર કોઈ મોટા રાજના સુબાના (હાથીની અંબાડી અને શણગારથી) હાથીને ઘેર્યો છે, ૦૩ અશ્વો ઝૂલ સહિતના પૂર્ણ સામાનથી શણગારેલા છે બીજા 0૨ અશ્વો પર સાદો સામાન છે, એ ત્રણ તાલુકદારો હશે? એમણે હાલારી જામશાહી(ઉભો પુળો)પાઘડી ધારણ કરી છે, અંગરખા, સુરવાળ, ભેટ, ઉપવસ્ત્રો સહિત રાજસી પોશાક ધારણ કરેલો છે, એક અસવાર યોદ્ધા હાથીની લગોલગ જઈ ઘોડાને ઝાર કરી સૂબાપર વાર કરતા દેખાય છે, અને એક હાથીની સામે જામગરી તાંકતા દેખાય છે, અન્યોએ સાંગ વડે હાથીને બાનમાં લીધો છે, એવું દ્રશ્ય તાત્કાલિન ગીરાસદારો એ પોતાની યશગાથા વર્ણવતા આ ચિત્રને ગઢમાં દોરાવ્યું હશે?
ચિત્ર સાભાર : શ્રી હરદેવસિંહ જાડેજા ધ્રાફા, હાલ- મુન્દ્રા.
✍️ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર).
Comments