ધર્મરાજસિંહ વાઘેલા છબાસર દ્વારા રાણીની વાવ પાટણના શિલ્પ સ્થાપત્ય કળા અને મૂર્તિકલા વિશેની અદ્ભુત માહિતી વાંચો.....
શિલ્પ/મૂર્તિ મંડન, મહારાણી ઉદયમતી નિર્મિત 'રાણીની વાવ' પાટણ, ગુજરાત. (ઈ. સ.ની અગિયારમી સદી)
વિશભુજ ભૈરવ મૂર્તિની વિશેષતા :-
રાણકી વાવ, પાટણના અદ્ભૂત શિલ્પોમાનાં એ શિલ્પો કે જે શિલ્પોની વિશેષતા તેની આયુધો સહિત ભુજાઓ (હાથ)ની ગોઠવણ છે, જે વિશ્વમાં અજોડ છે, એમાંનું એક શિલ્પ એટલે ભૈરવની આ અદ્ભૂત મૂર્તિ છે, આ મૂર્તિ સૌમ્ય ભૈરવ(બટુક ભૈરવ)ની છે, ભગાસનમાં ઉભેલા ભૈરવ જેને વિસ(૨૦)ભુજાઓ છે, જેમાં હાથની અભય, વરદ, સિંહકર્ણ અને પૃથ્વી મુદ્રા અને અન્ય હાથોમાં શેષનાગ, ખડગ, ડમરું, ભૂષન્ડી, વજ્ર, કટાર, ઢાલ, ચક્ર, પાશ, અંકુશ, મુંડ અને કપાલ ધારણ કરેલ જણાય છે,
જાણે શેષનાગને સંકોરીને મસ્તકે વીંટયો હોય એમ જટાને બાંધી છે, કાનમાં (નાથ સંપ્રદાયના) કુંડળ, ગળામાં કંઠહાર, હારસૂત્ર, ગ્રીવા(કંઠો) સાથે નાગપણ ગળામાં વિટ્યો છે, ભુજબંધ, કટીસૂત્ર, ઉરદામ, મુક્તદામ, વનમાલા, પાદવલય, પાદઝાલક, મુંડ સહ વ્યાઘ્રચર્મ અને તેની સાથે ઘંટડીઓ બાંધેલી છે, એવા સુંદર આભૂષણો આ મુર્તીમાં અદભુત રીતે કંડાર્યા છે. ભૈરવનું વાહન શ્વાન ભૈરવે કાપેલા મુંડના ધડ પર ઉભા ભૈરવના હાથમાં રહેલ મુંડનું માસ ખાય છે ને રક્ત પીવે છે.બાજુમાં ગણ પ્રેત એ ધડના હાથનું માસ ખાય છે, એવું આ શિલ્પમાં કંડારવામાં આવ્યું છે.
પરિકર યુક્ત આ મુર્તી છે, જેના પરિકરમાં ચંડી અને ભૈરવીઓના લઘુ શિલ્પો જોવા મળે છે.
આમ આ પ્રકારે વિશભુજ અને આયુધોની ગોઠવણ વાળા ભૈરવનું શિલ્પ જવલ્લે જ જોવા મળે એવા અમૂલ્ય ખજાનાથી ભરપૂર આ વાવ છે.
ભૈરવની ઉત્પત્તિ અને સામાન્ય માહિતી :-
भैरव: पूर्णरूपोहि शंकरस्य परात्मन:।
मूढास्तेवै न जानन्ति मोहिता:शिवमायया॥
ભય+રવ= ભય જેવો ભાવ/નાદ (પણ અહીં રવ એટલે રક્ષા કરનાર) ભયથી રક્ષનાર એટલે ભૈરવ એવા અર્થમાં છે, કારતક મહિનાની કૃષ્ણપક્ષની આઠમના મઘ્યાહને શિવના ક્રોધથી રક્ત વહયું એ રક્તમાંથી ભૈરવની ઉત્પત્તિ થઈ હોવાનો શાસ્ત્રોક્ત મત છે.
અહીં ભયથી રક્ષવા વાળા દેવ એટલે ભૈરવ એની કલ્પના જ ભય પમાડે એવી છે, પરંતુ આ વાવમાં એક સુંદર પુરુષાકૃતિ રૂપે ભૈરવનું શિલ્પ કંડારવામાં આવ્યું છે.
ભૈરવની ઉત્પત્તિને લઈને પુરાણોમાં અલગ અલગ મત/કથાઓ પ્રવર્તે છે, એ મુજબ પ્રથમ બ્રહ્માને પોતે સર્વશ્રેષ્ઠ હોઈ પોતે શિવથી પણ મહાન છે એવું સમજી શિવનું અપમાન કર્યું, એથી શિવને ક્રોધ આવ્યો અને શિવના ક્રોધથી રૂદ્રાંશ તરીકે એક વિશાળકાય અને ભયાવહ પુરુષાકૃતિ દંડપાણી સાથે ઉતપન્ન થઈ અને તે સમયે બ્રહ્માજીને પાંચ મુખ હતા, એમાં જે મુખે શિવનું અપમાન કરતા શબ્દ ઉચ્ચાર્યા હતાં, એ મુખને ભૈરવે પોતાના વિશાળ પંજાના નખથી ઉખાડી નાખ્યું, આમ ભૈરવના હાથમાં કપાયેલ મુંડ છે, એ માન્યતાનુસાર બ્રહ્માજીનું કપાયેલ મસ્તક છે, અન્ય પૌરાણિક કથાનુસાર બ્રહ્માજી પોતાની રચના(સ્ત્રી) પાછળ મોહિત થાયા હતા, એ સ્ત્રીએ રક્ષા હેતુ શિવના ક્રોધથી દંડપાણી ભૈરવ ઉત્પન્ન થયા. અન્ય કથાનુસાર અંધકાસુરનો વધ કરવા શિવના રક્તમાંથી ભૈરવ અને ભૈરવી ઉત્પન્ન થયા અને અંધકાસુરનું શીશ કાપી વધ કર્યો.
આમ બ્રહ્માજી અને અંધકને દંડ આપ્યા બાદ ભૈરવનું કાર્ય પૂર્ણ થતાં ભગવાન શિવે ભૈરવને કાશી નગરના નગરપાલ નીમ્યા, ત્યારથી ભૌરવને લોક સમુદાય ગ્રામ-નગરના રક્ષક તરીકે પૂજતો આવ્યો છે, આમ ગામ-નગરના મુખ્ય દેવાલાયોમાં ભૈરવ હોય છે, કોઈ દેવી/કુળદેવીના મંદિરે પણ ભૈરવ હોય છે, પૂજાય છે, દરેક ગઢ(કિલ્લા)ના દ્વાર પર ભૈરવ, ચામુંડા કે મહિષાસુર માર્દીનીને રક્ષક દેવ તરીકે સ્થાપેલા જોવા મળે છે.
આ સિવાય માતા સતીએ પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યારે એ શરીરને નારાયણના સુંદર્શને જે ૫૧ભાગમાં વિભક્ત કર્યું એ ભાગો જ્યાં જ્યાં પડ્યાં ત્યાં ત્યાં શક્તિપીઠ બન્યા એ શક્તિપીથની ઉર્જા/પવિત્રતાના રક્ષણ હેતુ, શિવજીએ રૂદ્રાંશ ભૈરવની ઉત્પત્તિ કરી ત્યાં સ્થાપ્યાં.
ભૈરવની વામાંક્ષી તરીકે ભૈરવી હોય છે. જેટલા ભૈરવો છે તેની સ્ત્રીશક્તિ રૂપ ભૈરવીઓ પણ છે(ભારતીય શાસ્ત્રીય સંગીતના મુખ્ય રાગ ભૈરવ-ભૈરવી પણ છે.) ભૈરવના મુખ્ય આયુધોમાં ત્રિશુલ, ખડગ, ખટવાગ છે, વાહન સ્વાન છે. સમયાંતરે ભૈરવની ઉપાસનાની બે શાખાઓ અસ્તિત્વમાં આવી જેમાં ભૈરવને તંત્રમાં સાધના હેતુ અને દંડ આપનાર દંડપાણી કાલભૈરવ અને સૌમ્ય રૂપે સૌને અભય આપનાર બટુકભૈરવ છે. ભૈરવોની કુલ સંખ્યા શાસ્ત્રાનુસાર ૬૪ છે પરંતુ બે મતના મુખ્ય અષ્ટ ભૈરવ છે, જે નીચે મુજબ છે.
# તંત્રશાસ્ત્રના અષ્ટ ભૈરવ :-
૧) અસિતાંગ ભૈરવ.
૨) રૂદ્ર ભૈરવ.
૩) ચંદ્ર ભૈરવ.
૪) ક્રોધ ભૈરવ.
૫) કપાલ ભૈરવ.
૬) ભીષણ ભૈરવ.
૭) ઉન્મત્ત ભૈરવ.
૮) સંહાર ભૈરવ.
# બ્રહ્મવૈવત્સ પુરાણના અષ્ટ ભૈરવ :-
૧) મહા ભૈરવ.
૨) સંહાર ભૈરવ.
૩) અસિતાંગ ભૈરવ.
૪) રૂદ્ર ભૈરવ.
૫) કાલ ભૈરવ.
૬) ક્રોધ ભૈરવ.
૭) તામ્રચુડ ભૈરવ.
૮) ચંદ્રચુડ ભૈરવ.
આ અલગ અલગ મતના મુખ્ય ભૈરવો છે, બીજા એના અંશભૈરવો છે , કાલિકા પુરાણાંનુસાર નંદી, ભૃગી, મહાકાલ, વેતાલ ની જેમ ભૈરવો પણ શિવજીના ગણો છે, એવો પણ મત છે. 🙏
ફોટો અને લેખ :✍️ ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર)
અન્ય અદ્દભૂત લેખ સિરિઝ ⬇️
ધર્મરાજસિંહજી વાઘેલા છબાસર દ્વારા રાણીની વાવ પાટણના શિલ્પ સ્થાપત્ય કળા અને મૂર્તિકલા વિશેની અદ્ભુત માહિતી વાંચો.....
(ભાગ - 1)
શિલ્પ/મૂર્તિ મંડન, વિશભુજ ભૈરવ મૂર્તિની વિશેષતા : રાણકી વાવ પાટણ
(ભાગ - 2)
મહિષાસુરમર્દિનીનું શિલ્પ સ્થાપત્ય
રાણકી વાવ પાટણ અને મહાકવિ કાલિદાસ લિખિત સ્તુતિ સાથે.
(ભાગ - 3)
પરિકર યુક્ત ચામુંડા : રાણકી વાવ પાટણ
(ભાગ - 4)
ગજ અને કેશરી વચ્ચે નું યુદ્ધ દર્શાવતું યુગ્મ શિલ્પ : રાણીની વાવ પાટણ
Comments